હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરીને ગુજરાતમાં સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદ શહેર માટે હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત કુલ 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજ્યના અન્ય 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક પ્રભાવિત થવા તેમજ દૃશ્યતા ઘટવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યના 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, ભરૂચ અને આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને તેજ પવનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.