ભુજ બીએસએફ કેમ્પમાં સર્જાયો ભાવનાત્મક માહોલ
લોકગાયિકા ગીતાબેન રબારીએ જવાનો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી
ગીતાબેન રબારીએ જવાનોના કાંડે રાખડી બાંધી દેશપ્રેમ વ્યક્ત કર્યો
ઘર-પરિવારથી દૂર સરહદની રક્ષા કરતા સંત્રીઓ સાથે મીઠાઈ વહેંચી
સરહદના રક્ષકો પ્રત્યે સન્માન પ્રગટ કરતા કેમ્પમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્ય
કચ્છના ભુજ સ્થિત બીએસએફ કેમ્પમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભાવનાત્મક માહોલ સર્જાયો હતો,લોકગાયિકા ગીતાબેન રબારીએ જવાનોને રાખડી બાંધીને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.
કચ્છના ભુજ સ્થિત બીએસએફ કેમ્પમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ખૂબ જ ભાવભીની અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારી ખાસ બીએસએફ કેમ્પ પહોંચ્યા હતા,અને દેશની સરહદોનું રક્ષણ કરતા દેશના વીર જવાનો સાથે આ તહેવાર મનાવ્યો હતો.
પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને અહોરાત્ર દેશની સીમાઓ સાચવતા બીએસએફ જવાનોના કાંડે ગીતાબેન રબારીએ રાખડી બાંધી હતી. જવાનોના મોં મીઠા કરાવીને તેમણે દેશપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો. આ તકે ગીતાબેન રબારીએ સરહદના સંત્રીઓ પ્રત્યે સમગ્ર દેશ વતી કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કર્યું હતું.
બહેનની કમી અનુભવતા જવાનો માટે આ પળ અત્યંત આત્મીય બની રહી હતી. ગીતાબેન રબારી અને બીએસએફ જવાનો વચ્ચે અત્યંત ભાવનાત્મક ક્ષણો સર્જાઈ હતી, જેનાથી સમગ્ર કેમ્પનું વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. દેશની સુરક્ષા કાજે ખડેપગે રહેતા આ વીર જવાનોની ત્યાગ અને સમર્પણ ભાવનાને સૌ કોઈએ સલામ કરી ઉજવણીનો આનંદ માણ્યો હતો.
