ભરૂચ જિલ્લાના વિલાયત GIDC વિસ્તારમાં આવેલી કલરટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરની આશંકા વચ્ચે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલાં અને હલચલ જોવા મળતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના વિલાયત GIDC વિસ્તારમાં આવેલી કલરટેક્સ કંપનીમાં વન વિભાગની ટીમ પહોંચી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું, અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત નજર રાખ્યા બાદ આખરે દીપડો પાંજરામાં પુરાતાં કર્મચારીઓ અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો અને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, દીપડાને કોઈપણ પ્રકારની ઇજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. તેની તબીબી તપાસ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્તા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ત્યારે જંગલ વિસ્તારની નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી જતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
