ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોવાથી માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. આજે એટલે કે 22 જુલાઈના રોજ પણ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની પૂરી સંભાવના છે, જેના માટે વિસ્તારો પ્રમાણે એલર્ટ જાહેર કરાયા છે.

હવામાન વિભાગની આજની આગાહી પર નજર કરીએ તો, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. નવસારી અને વલસાડ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ માટે હવામાન વિભાગે ‘ઓરેન્જ એલર્ટ’ આપ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય 10 જિલ્લાઓ એવા છે જ્યાં આજે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.

22 જુલાઈએ એટલે કે આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની  સંભાવના છે. આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી હવામાન વિભાગે અહીં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.