દેશમાં SIRની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ કપાયા
મતદારોના નામ કપાતા ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
કોંગ્રેસના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરાય
દેશમાં SIRની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ કપાયા હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
દેશભરમાં SIR પ્રક્રિયાના નામે 13 કરોડ જેટલા મતદારોના નામ રદ્દ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં આદિજાતિ મોરચાના આગેવાન ચંદ્રકાંત તડવી, નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો તથા હોદ્દેદારો-કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે, SIR પ્રક્રિયા દરમ્યાન કરોડો મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે, ત્યારે આ મામલે ચૂંટણી પંચની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવી યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
