પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરતો ‘પ્રોજેક્ટ પાથ

સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણથી બાળકોના ભવિષ્યનું ઘડતર   

મોડેલની ભારત સરકારના 40માં રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં પસંદગી

આ અભિયાન અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું

પ્રોજેક્ટથી અભ્યાસમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો 

પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરનાર મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’ મોડેલની પસંદગી ભારત સરકારના 40માં રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં દેશના એકમાત્ર મોડેલ તરીકે કરવામાં આવી છે.  

ગામડાની સરકારી શાળાઓમાં જ્યારે ડિજિટલ શિક્ષણથી બાળકોનું ભવિષ્ય ઘડાય છે, ત્યારે સમગ્ર સમાજ ગૌરવ અનુભવે છે. પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરનાર મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’ મોડેલની પસંદગી ભારત સરકારના 40મા રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં દેશના એકમાત્ર મોડેલ તરીકે થઈ છે. વર્ષ 2023માં પ્રધાનમંત્રી એવોર્ડથી સન્માનિત આ અભિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સપનાને સાકાર કરીને અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે.

વર્ષ 2020-21માં  શરૂ થયેલો આ પ્રોજેક્ટ પાંચ તબક્કામાં કાર્યરત છે, જેમાં વિદ્યાર્થીઓની શીખવાની કચાશનું મૂલ્યાંકન કરીને શિક્ષકોને ખાસ તાલીમ અપાય છે. ડિજિટલ ટેક્નોલોજીથી ગણિત અને ગુજરાતી સરળ રીતે ભણાવાતા હોવાથી વિદ્યાર્થીઓ ઉત્સાહથી અભ્યાસ કરે છે. શિક્ષકો તથા BRC, CRC અને TPOની ટીમના સતત મોનિટરિંગથી બાળકોની વાંચન અને ગણન ક્ષમતા વિકસી છે. પરિણામે, ‘નિપુણ ગુજરાત’ હેઠળ મહેસાણાના 45.7 ટકા વિદ્યાર્થીઓ નિપુણ શ્રેણીમાં આવ્યા છે, જે રાજ્યની સરેરાશ કરતાં 10.10 ટકા વધુ છે.

સક્ષમ વહીવટી નેતૃત્વ, શિક્ષણ વિભાગના સંકલન અને શિક્ષકોની મહેનતથી ‘પ્રોજેક્ટ પાથ’ આજે દેશભરના વહીવટી તંત્ર માટે પ્રાથમિક શિક્ષણ સુધારણાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.