અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સોમવારે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાતા અનેક વિસ્તારોમાં ઠેરઠેર છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અંકલેશ્વરમાં 11 મી.મી.જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.વરસાદને પગલે માર્ગો ભીના બન્યા હતા અને ઠંડા પવનો ફૂંકાતા સમગ્ર પંથકમાં ખુશનુમા વાતાવરણ સર્જાયું હતું. જોકે વરસાદ સામાન્ય હોવાથી જનજીવન પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી.
