રાજકોટના એક ફૂડ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની વચ્ચે ટેબલ પર ઉંદરો ફરતા હોવાની ઘટના સામે આવતા ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે નજીક એક રેસ્ટોરન્ટમાંથી મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રેસ્ટોરન્ટના ડાઇનિંગ એરિયામાં જ્યાં ગ્રાહકો બેસીને ખાવા-પીવાનું માણતા હોય છે, ત્યાં ટેબલ અને ખુરશીઓ પર ઉંદરો નિર્ભયપણે ફરતા જોવા મળે છે. આ ઘટનાના કારણે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે, અને ખાદ્ય સુરક્ષા અંગે મોટી ચિંતાઓ ઊભી થઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં 2 મોટા ઉંદરોને ટેબલ અને બેઠક વ્યવસ્થાવાળા વિસ્તારોમાં દોડતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક જાગૃત ગ્રાહકે આ દ્રશ્ય પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યું હતું. જોકે, વીડિયોમાં સ્ટોરના કાઉન્ટર પર ‘મેકકેફે’ (McCafé)નું બોર્ડ અને મેનૂ સ્પષ્ટ દેખાય છે, જે સ્થળ મેકડોનાલ્ડ્સ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉંદર જેવા જીવો ખોરાક કે, ફર્નિચરના સંપર્કમાં આવે છે, ત્યારે લેપ્ટોસ્પાયરોસિસ, સાલ્મોનેલા અને ફૂડ પોઈઝનિંગ જેવા ગંભીર રોગો ફેલાવાનું જોખમ અનેકગણું વધી જાય છે, ત્યારે આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાણીપીણીના શોખીનોમાં આઘાત અને રોષની લાગણી જોવા મળી છે. વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક હરકતમાં આવી ફૂડ રેસ્ટોરન્ટ પર દરોડા પાડીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
