સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર હાઈવે પર રાજપુર ગામના પાટિયા નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ઈક્કો કારને રોકીને તપાસ હાથ ધરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે એક માસની નવજાત બાળકી મળી આવી હતી. સઘન પૂછપરછમાં સામે આવ્યું કે બાળકીને મુંબઈ વેચવા માટે રૂપિયા 1.50 લાખનો સોદો નક્કી થયો હતો.
પોલીસે આ કાવતરામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓમાંથી 5 ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. કોર્ટે ઝડપાયેલા પાંચેય આરોપીઓના 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પરંતુ પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે. આરોપીઓ પૈકી એકની કબૂલાત મુજબ, આ રેકેટમાં મુખ્ય દલાલ તરીકે કામ કરતી મહિલા અગાઉ પણ 12 જેટલા માસૂમ બાળકોને અલગ-અલગ શહેરોમાં વેચી ચૂકી છે!
હાલ માસુમ બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે રાખવામાં આવી છે અને તેની સ્થિતિ સ્વસ્થ હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ ફરાર દલાલ મહિલા અને અન્ય એક વ્યક્તિને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બનાસકાંઠા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નોંધનીય છે કે ગત માર્ચ મહિનામાં પણ ખેડબ્રહ્મામાંથી નવજાત બાળક વેચવાનું રેકેટ સામે આવ્યું હતું. સાબરકાંઠામાં વારંવાર સામે આવી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓએ હવે તંત્ર અને બાળ સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે બાકીના બે આરોપીઓ પકડાયા બાદ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટના વધુ કયા મોટા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
