રાજ્યમાં વધી રહેલા લવ જેહાદ સામે પાટીદાર સમાજનું કડક વલણ સામે આવ્યું છે. 84 કડવા પાટીદાર સમાજે દીકરીની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે સમાજના પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી.જેમાં કાયદો બનાવવા માંગણી કરવામાં આવી હતી.
કારોબારીમાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં ઊંઝા ખાતે શરૂ થયેલી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું નામ ઊંઝાના ધારાસભ્ય અને સમાજની દીકરી સ્વ. આશાબેન પટેલ સાથે જોડવા માટે, માતા-પિતાની સંમતિ લેવાઇ હતી. આ સાથે ભાગી જતી દીકરીઓ માટે સરકારમાં કાયદો બનાવવા તેમજ તેને નકારવામાં આવે તો આવી દીકરી નો માતા- પિતાની મિલકત માંથી આપોઆપ હિસ્સો નીકળી જાય તેવો કાયદો બનાવવા રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો સમાજ ના પૂર્વ પ્રમુખ ડી.એમ.પટેલ, લાલભાઇ પટેલ, તમામ તાલુકા પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતુ કે, દરેક સમાજમાં દીકરી ભાગીને લગ્ન કરવાની ઘટના બને છે. જે ચિંતાજનક છે.
આ મુદ્દે આગામી સમયમાં અન્ય સમાજોની પણ સાથે રાખી સંમેલન બોલાવીશું અને સરકારમાં ભાગીને લગ્ન કરતી દીકરી ની લગ્ન નોંધણી માં માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો આવી દીકરી નો હિસ્સો માતા-પિતાની મિલકત માંથી આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.રાજ્યમાં લવ જેહાદ માટે રૂપાણી સરકારે કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તન ના હેતુથી કરાયેલાં લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.કોઈપણ વ્યક્તિ કપટ,બળપૂર્વક આથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારના દોષિત ગણવામાં આવશે.
