રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી તેમની સંયુક્ત અસરના ભાગરૂપે વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4.68 ઈંચ (117 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 9.80 ઈંચ (245 મીમી) વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા હોવાથી વરસાદની આ ખાધમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અલનીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ચોમાસાનો દોઢ મહિનો વિતી ગયો છતાં પણ રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો અનેક જિલ્લામાં હજુ પણ વાવણી નથી થઇ આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે, ફરી મોનસૂન એક્ટિવ થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર

મધ્ય ગુજરાત: અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

દક્ષિણ ગુજરાત: વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છ: રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.