ભાવનગર શહેરમાં કોંગ્રેસનો હલ્લાબોલ

વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ

લોકશાહી બચાવવાના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર

પૂતળા દહનનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પોલીસે કરી અટકાયત  

ભાવનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકશાહી બચાવવાના મુદ્દે ચૂંટણી પંચ સામે અત્યંત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકશાહી બચાવવાના મુદ્દે ચૂંટણી પંચ સામે અત્યંત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના સંગઠન દ્વારા જવાહર મેદાન ખાતે આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાતા ‘વોટ ચોર’ના જોરદાર નારા ગુંજી ઉઠ્યા હતા. આ વિરોધ પ્રદર્શન શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડ અને વિરોધ પક્ષના નેતા ભરત બુધેલીયાની સંયુક્ત આગેવાની હેઠળ યોજાયું હતું.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના પૂતળાને સળગાવવાને બદલે તેને માર મારીને પોતાનો વિરોધ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન સ્થળ પર તૈનાત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. પરિસ્થિતિ વણસતાં પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અને કાર્યકરોની સ્થળ પરથી અટકાયત કરી હતી અને તેમને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.