સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગના કારણે થયેલા બાળકીના કરૂણ મોત બાદ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સતત પાંચમા દિવસે પણ શહેરના તમામ ઝોનમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં 4 વર્ષની માસૂમ દીકરીના કથિત ફૂડ પોઈઝનિંગના કારણે થયેલા કરૂણ મોત બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સુરત નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સતત પાંચમા દિવસે પણ શહેરના તમામ ઝોનમાં હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 610થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અસ્વચ્છતા બદલ 143 હોટલ અને રેસ્ટોરન્ટને SMCએ નોટીસ ફટકારી હતી. આ સાથે જ અસ્વાસ્થ્યપ્રદ સ્થિતિમાં ચાલતી 7 સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 750 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ફૂડ વિભાગે નિયમભંગ બદલ રૂ. 4.95 લાખનો દંડ પણ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
