ભાદરવાના પ્રારંભે જ આવ્યો ધોધમાર વરસાદનો રાઉન્ડ
શહેર તથા જીલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર
રુક્માવતી નદી નદી બે કાંઠે વહેતાં ઠેર ઠેર પાણી ભરાયા
ગામની શેરીઓમાં જોરદાર પૂર જેવી પરિસ્થિતીનું નિર્માણ
સુકાએલા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી
ચ્છ જીલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે માંડવી, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતી સર્જાય હતી.
ગુજરાત રાજ્યમાં લો પ્રેશર, મોંનસૂન ટ્રફ, વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થયું છે, જેથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છ જીલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે થોડી રાહત અનુભવી છે.
કચ્છ જિલ્લાના માંડવીમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. માંડવી તાલુકાના મોટી રાયણ ગામે રુક્માવતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે શહેરી વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી વહી રહ્યા છે.
નખત્રાણાના નેત્રા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સતત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેનાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ, લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં સુકાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે, જેથી જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છવાયો છે.
