દુનિયાના સૌથી મહાન દોડવીર ગણાતા જમૈકાના યુસૈન બોલ્ટનો રેકોર્ડ આખરે તૂટી ગયો છે! વર્ષ 2009માં બોલ્ટે 100 મીટરની દોડ માત્ર 9.58 સેકન્ડમાં પૂરી કરીને જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, તેને 17 વર્ષ બાદ ચીનમાં તોડી નાખવામાં આવ્યો છે. જોકે, નવાઈની વાત એ છે કે આ રેકોર્ડ કોઈ માણસે નહીં, પરંતુ એક રોબોટે તોડ્યો છે!

ચીનની રાજધાની બેઈજિંગમાં શનિવારે (22 ઓગસ્ટ) ‘વર્લ્ડ હ્યુમનોઈડ રોબોટ ગેમ્સ’ની શરૂઆત થઈ હતી. આ ગેમ્સની બીજી સીઝનમાં ચીનની સિંઘુઆ યુનિવર્સિટીની ‘તિયાનઝુઓ’ ટીમે બનાવેલા એક રોબોટે કમાલ કરી દીધી. આ રોબોટે 100 મીટરની રેસ માત્ર 9.39 સેકન્ડમાં જ પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ યુસૈન બોલ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જોકે, માણસોની કેટેગરીમાં હજુ પણ બોલ્ટનો જ રેકોર્ડ અકબંધ છે.

સમયમાં થયો ધરખમ ઘટાડો

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રોબોટ ગેમ્સની પહેલી સીઝનમાં એક રોબોટે 100 મીટરની રેસ પૂરી કરવા માટે 21.50 સેકન્ડનો સમય લીધો હતો. પરંતુ, આ બીજી સીઝનમાં ટેકનોલોજી એટલી હદે સુધરી ગઈ કે રેસનો સમય સીધો અડધાથી પણ ઓછો થઈ ગયો! હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ રોબોટનો રેકોર્ડ બીજું કોણ તોડે છે.

આઠ વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા યુસૈન બોલ્ટે ઓગસ્ટ 2009માં બર્લિન ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરની દોડ 9.58 સેકન્ડમાં પૂરી કરી હતી. આ રેકોર્ડે તે સમયે ભારે ચર્ચા જગાવી હતી. ત્યારથી લઈને આજ સુધી દુનિયાના અનેક દોડવીરો આ રેકોર્ડ તોડવા માટે મહેનત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ માણસ હજુ સુધી તેમાં સફળ થઈ શક્યો નથી.