મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના રેલ્વે સ્ટેશન નજીક એ.એન. ઓફીસ વિસ્તારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. આ ગોડાઉનમાં રબર અને અન્ય પ્લાસ્ટિકનું મટીરીયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

બનાવની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 3 ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત સાથે આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.