Connect Gujarat
બ્લોગ

મિશન મંગલ

મિશન મંગલ
X

ભરૂચના બ્લ્યૂચીપમાં ૪.૦૦ કલાકે ‘મિશન મંગલ’ જોયું. દિગ્દર્શક જગન શક્તિએ પહેલી જ ફિલ્મમાં કમાલ કરી છે. જગન શક્તિ એટલે અક્ષયકુમારના ‘પેડમેન’માં એસોસિએટ, ‘હોલીડે’, ‘ડિયર જિંદગી’, ‘પા’ અને ‘ચીની કમ’ માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એમની ઉત્કૃષ્ટ કલાગીરી જોઈ છે.

રાકેશ ધવન (અક્ષય કુમારે) ‘પીટર ઈગ્લેન્ડ’ બ્રાન્ડના શર્ટ, પેન્ટ, શૂટ પહેરી, વૈજ્ઞાનિકનો રોલ બખૂબીથી નિભાવ્યો. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દૂલ કલામના જેટલા પણ કોટસ્ છે એ બધા જ આ ફિલ્મના સંવાદમાં રીતુરાજ ત્રિપાઠીએ લખ્યા છે.

તારા શિન્દે (વિદ્યા બાલન) આ ફિલ્મની હિરો છે. નાસા, મિશન મંગલની લેબોરેટરી અને ઘર બંને મોરચાને બેલેન્સ કરે છે.

સાયન્સ વિષય પર આધારિત આ એવી હિન્દી ફિલ્મ છે જે દર્શકોને જકડી રાખવામાં સફળ થઈ છે. સેટેલાઈટ છોડવામાં ઈસરોમાં કામ કરતા ૧૭૦૦૦ કર્મચારી જેઓ સાયન્ટીસ્ટ છે. વિશાળ જગ્યા, એક સે બઢ કર એક વૈજ્ઞાનિક જેમાં એકતા ગાંધી (સોનાક્ષી સિન્હા) બિન્દાસ્ત કિંગ સાઈઝની સિગારેટ કરતા દોઢી લંબાઈની સિગારેટ ફૂંકે, મહત્વકાંક્ષાની ટોચ પર સ્ત્રી પહોંચે ત્યારે એ શું ન કરી શકે ? કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ) વર્ષા પિલ્લાઈ (નિત્યા મેનન) કીર્તિ કુલહારી (નેહા સિદ્દીકી) પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી મુસ્લિમ યુવતીની આજે પણ સમસ્યા એ જ છે કે એને ઘર ન મળે, મંગલ મિશન સફળ થતા નેહા, તારા (વિદ્યા બાલન) ને પૂછે છે હવે તો મને ઈસરોમાં ક્વાર્ટર મળશે ને ?

પરમેશ્વર (શર્મન જોષી) ૧૦૦% જ્યોતિષ અને ગ્રહમાં માને. ‘મંગલ મિશન’ પ્રોજેક્ટમાં એ કેમેરા ઈન્ચાર્જ. સેટેલાઈટ જે મંગલ ગ્રહના ફોટા મોકલે એની બધી જ તજવીજ એ કરે. અનંથ ઐયર (એચ.જી.દત્તાત્રેય‌) સૌથી સિનિયર, રિટાયર્ડ થવાને આરે તેમની પત્ની સાથે તીરૂપતિ દર્શને જવું છે અને બસમાં ચઢતાં ચઢતાં મેસેજ મળે ‘કમ સુન ટુ ઈસરો’.

તારાનો પતિ સુનિલ (સંજય કપૂર) ચીલાચાલુ પતિ, જમાનાનો ડગલે ને પગલે ડર લાગે, મોર્ડન વિચારોથી જોજન દૂર, ખૂબ સરસ એકટીંગ, રાતે ૧૨ વાગે દીકરી ઘરે ન આવે, ન તો કોલ ઉપાડે ધૂવાકૂવા થાય ત્યારે એને જે રીતે તારા (વિદ્યા બાલન) હેન્ડલ કરે છે. ‘પબ’ ના દ્રશ્યો, ડાન્સ, લાજવાબ.

ઈસરોના ડાયરેક્ટર તરીકે વિક્રમ ગોખલે જબરદસ્ત બેલેન્સ, રાજકરણ, વૈજ્ઞાનિકોની ટીમ વચ્ચે સમતોલપણું રાખવું કેટલું અઘરું એને જોઈએ ત્યારે જ સમજાય. રૂપર્ટ દેસાઈ (દિલિપ તાહિલ) અમેરિકાની સ્પેસ કું. માંથી નાસામાં આવેલા. ભારતીય સંસ્કૃતિ, સભ્યતાની હાંસી ઉડાવે, રાકેશ ધવન (અક્ષય કુમાર) સાથે પહેલેથી છેલ્લે સુધી જબરદસ્ત ટક્કર ચાલે.

અંતે રસોડામાં ગેસ પર પેણી મુકી એમાં તેલ રેડી, પૂરી તળાય, તેલને કેટલું ગરમ કરવું ?, ગેસ કેટલો બળે ?, તેની પાક્કી ગણતરી જે સ્ત્રીમાં છે, એનામાં સાયન્ટીસ્ટ બનવાની ક્ષમતા છે, ઈસરોમાં ટીમ લીડર બની શકે.

હજુ ૧૦૦ શબ્દો લખી શકાય, જાણી જોઈને લખતો નથી, ‘મિશન મંગલ’ ના બધા જ રહસ્યો લખી દઉં તો કદાચ ફિલ્મ જોવાનું ટાળશો. જોજો એવું ન કરતાં. ૧૦૦ કામ પડતા મુકી પહેલું ‘મંગલ મિશન’ જુઓ. ટાઈમ મેનેજમેન્ટ અને પોઝીટીવ એટીટ્યુડ આવડી જશે.

Next Story