નર્મદા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ–2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યાં હતાં.
12થી 18 નવેમ્બર દરમિયાન યોજાનારા જનજાતીય ગૌરવ સપ્તાહમાં યુવા સંવાદ સંમેલન, પૂજન-અર્ચન, ભજન, આરતી અને દીપોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
ખાસ કરીને 15 નવેમ્બરના રોજ નાંદોદ અને દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આદિવાસી સમાજ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ હેઠળ આશરે 445 અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવશે. જેના થકી 1,071 આદિવાસી ખેડૂતોને આશરે 590 હેક્ટર જમીનનો અધિકાર મળશે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના બલિદાન અને આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને જનજન સુધી પહોંચાડવાનો આ ઉજવણીનો મુખ્ય હેતુ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
