ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભોદર ગામે યુવક પર થયેલા હુમલાના બનાવમાં વેડચ પોલીસે મોટી કાર્યવાહી કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે. યુવતી ભાગી જવાની ઘટનાની અદાવત રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જંબુસરના ભોદર ગામે શંકરભાઈ ભાઈલાલ પટેલ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં શંકરભાઈના બંને પગમાં ફ્રેક્ચર થયાં હતાં. આ મામલે વેડચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે પોલીસે ભોદર ગામના જ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં રમેશભાઈ નારસંગભાઈ રાઠોડ, લાલજીભાઈ વજેસંગભાઈ રાઠોડ, કરણભાઈ રમેશભાઈ રાઠોડ, વિજયભાઈ અમરસંગભાઈ રાઠોડ, સંજયભાઈ વજેસંગભાઈ રાઠોડ, નીતિનસિંહ ભગવાનસિંહ રાઠોડ, હેમરાજભાઈ રમેશભાઈ રાઠોડ, નારસંગ ઉર્ફે મુકેશ માનસંગભાઈ રાઠોડ અને અમરસંગ નારસંગ મથુરભાઈનો સમાવેશ થાય છે.વેડચ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.