ભરૂચ જિલ્લામાં આતંકવાદી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જૂનાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટ્સના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓએ ફરજિયાત રજિસ્ટર નિભાવવાનું રહેશે.
રજિસ્ટરમાં ખરીદનાર અને વેચનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઓળખ તથા રહેઠાણના પુરાવા, ખરીદ-વેચાણનું કારણ, તારીખ, વાહનનો એન્જિન અને ચેસિસ નંબર, મોડલ તથા રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગતો નોંધવાની રહેશે. આ રજિસ્ટર સુરક્ષિત રાખવાનું રહેશે અને પોલીસ અધિકારી માંગે ત્યારે રજૂ કરવાનું રહેશે.હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
