નવી દિલ્હીમાં યોજાયેલા India International Water Week 2026 દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે જળ ક્ષેત્રે મહત્વપૂર્ણ સહયોગને લઈને કરારો કરવામાં આવ્યા. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના આ સહયોગથી ગુજરાતની મહત્વાકાંક્ષી કલ્પસર યોજના, ક્ષમતા નિર્માણ તેમજ આધુનિક ટેકનોલોજી, જળ વ્યવસ્થાપન અંગેનું જ્ઞાન અને નિષ્ણાતોની કુશળતાના આદાન-પ્રદાનને નવી ગતિ મળવાની અપેક્ષા છે.આ ભાગીદારી હેઠળ જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નેધરલેન્ડ્સના વૈશ્વિક અનુભવો અને ભારતની જરૂરિયાતો વચ્ચે જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળશે. સાથે જ આ સહયોગથી જળવાયુ પરિવર્તનને અનુકૂળ અને લાંબા ગાળાની જળ સુરક્ષા માટે નવી તકો ઊભી થશે.કેન્દ્ર સરકાર દ્વારા જળ સંરક્ષણ, નવીન ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી દેશને જળ સુરક્ષિત અને Climate Resilient India બનાવવાના પ્રયાસોને આ સહયોગ મહત્વપૂર્ણ આધાર પૂરો પાડશે.
ગુજરાત માટે ખાસ કરીને કલ્પસર યોજના અને જળ સંસાધનોના અસરકારક સંચાલનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બની શકે છે. ભારત-નેધરલેન્ડ્સની આ ભાગીદારી જળ સંસાધનોના ટકાઉ સંચાલન તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
