વલ્લભીપુરમાં એસઓજીએ ગાંજાની ખેતીનો કર્યો  પર્દાફાશ 

ઘરના વાડામાંથી જ મળી આવ્યો લીલોતરી ગાંજો

પોલીસે 128 લીલા છોડ જપ્ત કર્યા

અંદાજે રૂ.29.91 લાખનો ગાંજો જપ્ત

આરોપી રણછોડ આલગોતરની ધરપકડ

ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વલ્લભીપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે.આરોપીની ધરપકડ સાથે 128 ગાંજાના છોડ પણ જપ્ત કર્યા હતા.

ભાવનગરમાંથી નશાના કારોબાર સામે પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વલ્લભીપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો.

SOG ની ટીમે વલ્લભીપુર તાલુકાના પાટણા (ભાલ)ગામના ઉજળવાવ ટીંબો વિસ્તારમાં આવેલા એક રહેણાંક પરિસરમાં અચાનક દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન આરોપી રણછોડ આલગોતરના ઘરના ફળિયા તેમજ પાછળના વાડામાં તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોતાના ઘરના વાડામાં જ મોટા પાયે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.

પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 128 લીલા છોડ જપ્ત કર્યા છે, જેનું કુલ વજન અંદાજે 60 કિલો નોંધાયું છે. જપ્ત કરવામાં આવેલા આ ગાંજાના છોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂપિયા 29.91 લાખ આંકવામાં આવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી રણછોડ આલગોતરની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.

આ સમગ્ર મામલે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરવામાં આવતું હતું અને તેનો સપ્લાય ક્યાં તથા કોને કરવાનો હતો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.