નર્મદા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાવરા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 2,28,580નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ, વડોદરા વિભાગ તથા નર્મદાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. વાળાની સૂચનાથી LCBની ટીમ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન LCBના અ.હે.કો. રમેશભાઈ મંગળભાઈ તથા અ.પો.કો. જયેશભાઈ કાનજીભાઈને બાતમી મળી હતી કે નાવરા ગામની સીમમાં ઝાડી-ઝાંખરાવાળા કોતરમાં ખુલ્લી જગ્યાએ કેટલાક શખ્સો ગોળ કુંડાળું બનાવી પત્તાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના રોકડા રૂ. 1,03,580, ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. 20,000, ત્રણ વાહનો કિંમત રૂ. 1,05,000, પત્તાં અને પ્લાસ્ટિકની ચટાઈ સહિત કુલ રૂ. 2,28,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં સતિષભાઈ મોતીભાઈ વસાવા, અરબાજભાઈ એહમદ હસન મન્ચુરી, સતિષભાઈ અંબાલાલભાઈ વસાવા, ઈબ્રાહિમભાઈ અનવરભાઈ શામળા, સરફરાજભાઈ એહમદભાઈ નકુમ, અયુબભાઈ મોહમદભાઈ સિંધી અને ઈમરાનખાન હમીદખાન નકુમનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું પોલીસ વિગતોમાં જણાવાયું છે.