સુરતની નવી સિવિલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના કેમ્પસમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે નવી સિવિલની બોયઝ હોસ્ટેલમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થીએ વારાફરતી ઊંઘની 21 ગોળીઓ ગટગટાવી લેતા કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો રહેવાસી આ વિદ્યાર્થી અગાઉથી જ અનિદ્રા અને માનસિક તણાવની સારવાર હેઠળ હતો. મોડી રાત્રે ઊંઘ ન આવવાના કારણે તેણે એક પછી એક એમ 21 ગોળીઓ પી લીધી હતી. થોડી વાર બાદ વિદ્યાર્થીને અચાનક તીવ્ર ચક્કર આવવા લાગતાં તેણે રૂમમાં રહેતા અન્ય સાથીઓને આ અંગે જાણ કરી હતી, જેથી સમગ્ર ઘટનાનો ભેદ ખૂલ્યો હતો.

વિદ્યાર્થીની તબિયત લથડતાં જ તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ, આગામી 29મી તારીખથી MBBSની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાના અતિશય માનસિક દબાણ અને ટેન્શનમાં આવીને વિદ્યાર્થીએ આ આકરું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ રૂમમાં જ તેની સાથે રહેતા વિદ્યાર્થીના પિતા પણ દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે નોંધ કરીને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.