ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ

કિમ નદી બે કાંઠે વહી

નદી ઓવરફ્લો થતા એલર્ટ

3 ગામોમાંથી 218 લોકોનું સ્થળાંતર

તંત્રની સમગ્ર પરિસ્થિતિ પર નજર

ભરૂચના હાંસોટ પંથકમાંથી પસાર થતી કિમ નદી ઓવરફ્લો થતા 3 ગામમાંથી 218 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ભરૂચના હાંસોટ પંથકમાં ઉપવરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કિમ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.કિમ નદી ઓવરફ્લો થતાં પાંજરોલી, ઓભા અને આસરમા ગામમાં પૂરના પાણી પ્રવેશવાની શક્યતા ઊભી થઈ છે.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ત્રણેય ગામમાંથી કુલ 218 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીના જળસ્તરમાં થતા ફેરફારો પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.