રાજયમાં રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં વધારો થયો છે ત્યારે તેના કાળા બજાર કરનારાઓ પણ સક્રિય બન્યાં છે. ગુજરાત પોલીસે આજે મોરબીમાં દરોડા પાડી 58 લાખ રૂપિયાની કિમંતના 1,211 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન ઝડપી પાડયાં છે. આ કેસમાં ઓલપાડના એક ગામના ફાર્મહાઉસમાં દરોડો પાડી ઇન્જેકશનની 400 પેટી કબજે લેવાય છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,નકલી રેમડેસિવિર ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ -કાળા બજાર કે સંગ્રહ કરનાર વિકૃત લોકો સામે કડક કાર્યવાહી કરાશે તેમજ માનવ જીવન હણાય એવા ચેડા કરનાર મોતના સોદાગરો ચેતી જાય- તેમના આ કૃત્યને માનવ વધ અપરાધ ગણી તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે.
રાજ્યમાં રેમડેસીવીર જેવી કોરોના માટેની મહત્વની દવાના કાળા બજાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહયું છે આ માટે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશો કરાયા છે જેથી આ દવાના કાળાબજાર અથવા ગેરકાયદેસરની સંગ્રહાખોરી અટકાવી શકાય, પરંતુ કેટલાક વિકૃત લોકો દ્રારા નકલી રેમડેસીવીર દવાના ઇન્જેકશન બનાવીને માનવવધ જેવા કૃત્યો કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજય સરકાર દ્વારા આ સંદર્ભે ૨૩ ગુનાઓ નોંધીને ૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મોરબીના બનાવ વિશે જાણકારી આપતાં રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશીફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી. ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કી.રૂ. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા આ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત એ.સી.પી.શ્રી આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનબનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે રેઇડની કાર્યાવહી ચાલુ છે.