• ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી

  • ચૂંટણીના પરિણામો જાહેર

  • કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં

  • આપ-8 ભાજપ-7 અને કોંગ્રેસનો 1 સભ્ય વિજેતા

  • જોડતોડની રાજનીતિ શરૂ

ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા જોડ તોડની રાજનીતિ શરૂ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે તેની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા જીતેલા આઠ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે.
ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પરિણામો જાહેર થયા બાદ જોડતોડની રાજનીતિ શરૂ થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આમ આદમી પાર્ટીને કુલ 8 બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 1 બેઠક મળી છે. 
તાલુકા પંચાયત પર કબ્જો મેળવવા માટે કુલ 9 સભ્યોની જરૂર હોવાથી હાલ કોઈ પક્ષ પાસે પૂર્ણ બહુમતી નથી.આ પરિસ્થિતિમાં, AAP દ્વારા જીતેલા 8 સભ્યોને સંભવિત દળબદલી કે રાજકીય દબાણથી બચાવવા માટે રાત્રે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજકીય સૂત્રોના મતે, ભાજપ અને આપ બંને પક્ષો બહુમતી માટે પ્રયાસ કરી રહ્યા છે.
સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આવનારા દિવસોમાં ગઠબંધન કે અન્ય રાજકીય સમીકરણો ઉભા થઈ શકે છે. હાલ માટે, નેત્રંગ તાલુકા પંચાયતનું સત્તાસંતુલન અનિશ્ચિત બની રહ્યું છે.