-
ભરૂચ જિલ્લામાં કવાયત
-
ભાજપ દ્વારા કવાયત હાથ ધરાય
-
પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા
-
નિરીક્ષકોએ લીધા સેન્સ
-
આગેવાનોએ આપી હાજરી
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકોએ શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા આજે શનિવારથી રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા ત્રણ નિરીક્ષકોએ શનિવારે સવારે હોટલ જીંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી.
જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂંક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બાદ નગર પાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી.નિરીક્ષકોમાં રાજ્ય સભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલે તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી. નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સાંભળ્યા હતા.
પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવી, જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે. જે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા.
