-
શહેરની સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા
-
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી
-
ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં નફાની લાલચે છેતરપિંડી
-
રૂ. 29.43 લાખની છેતરપિંડી મામલે શખ્સની ધરપકડ
-
ગુનામાં અન્ય શખ્સોની સંડોવણીની પણ શક્યતા : DCP
સુરત શહેરમાં વેપારીઓને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં મોટો નફો બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભેજાબાજની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર અને હાલ અમદાવાદ-સુરતમાં સક્રિય એવા કૃણાલ ભોજક ક્યારેક પંડિત બનીને પૂજા-પાઠ કરતો, તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસમેન બનીને લાખો રૂપિયા ખંખેરી લેતો હતો. સુરતના એક વેપારી સાથે રૂ. 29.43 લાખની છેતરપિંડીના કેસમાં કૃણાલ ભોજકની ધરપકડ બાદ અત્યાર સુધીમાં 90 લાખથી વધુના ફ્રોડની વિગતો બહાર આવી છે.
આરોપી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ‘રાધા ઇમ્પેક્સ‘ અને ‘એસ.કે. એન્ટરપ્રાઇઝ‘ નામે આકર્ષક જાહેરાતો ચલાવતો હતો. પોતે મોટો શિપિંગ એજન્ટ હોવાનું જણાવી તે વેપારીઓને વિશ્વાસમાં લેતો કે, તે ચાઈનાથી સસ્તા દરે ટેક્સટાઇલ મટીરીયલ અને કાપડના કન્ટેનર મંગાવી આપશે. સુરતના ફરિયાદીને ચાઈનાથી કાપડ આયાત કરી આપવાની લાલચ આપી તેણે કસ્ટમ ડ્યુટી, સપ્લાયર પેમેન્ટ અને શિપિંગ ચાર્જના નામે ટુકડે-ટુકડે કુલ 29,43,400 રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કૃણાલ ભોજક માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે, પરંતુ તેની ગુના કરવાની રીત અત્યંત શાતિર હતી. તે સોશિયલ મીડિયા પર પોતાની એડમાં ચાઈનાની ઓફિસના એડ્રેસ પણ આપતો હતો. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જે એડ્રેસ તે આપતો હતો તે હકીકતમાં રહેણાંક વિસ્તાર હતા અને ત્યાં કોઈ ઓફિસ જ નહોતી. પોલીસ હાલ આ બેંક સ્ટેટમેન્ટ્સનું એનાલિસિસ કરી રહી છે, જેથી આ મની ટ્રેઇલ ક્યાં સુધી જાય છે, તે જાણી શકાય. જોકે, આ ગુનામાં અન્ય શખ્સોની સંડોવણીની પણ પૂરેપૂરી શક્યતા છે.
