-
ભારત સોનું ખરીદવામાં દુનિયાનો બીજો સૌથી મોટો દેશ
-
દેશની અર્થવ્યવસ્થા પર દબાણ વધતાં સરકારનો નિર્ણય
-
આયાત ઘટાડવા માટે સરકારે ટેક્સના નિયમો કડક કર્યા
-
સોના-ચાંદીની આયાત પર લાગતી ડ્યુટીમાં વધારો કર્યો
-
આયાત ડ્યુટીને 6%થી વધારીને કરવામાં આવી છે 15%
-
સોના-ચાંદીના ભાવ વધતાં ખરીદી પર અસર થશે : વેપારી
કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે, ત્યારે સુરતમાં સોના-ચાંદીના ભાવ વધી જતાં વેપારીઓ ખરીદી ઓછી થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
ભારતમાં લોકો સોનું ખૂબ ખરીદે છે. આપણો દેશ દુનિયાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. સોનાની માગ પૂરી કરવા માટે આપણે તેને વિદેશથી મંગાવવું પડે છે. આ માટે ડોલર ખર્ચ થાય છે. જ્યારે દેશમાંથી વધુ પૈસા બહાર જવા લાગે છે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા પર દબાણ વધે છે. આ જ ‘આયાત‘ ઘટાડવા માટે સરકારે ટેક્સના નિયમો કડક કર્યા છે. કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે. બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે, તા. 13 મે’ના રોજ સોના-ચાંદી બજારમાં સોનું 9 હજાર અને ચાંદી 22 હજાર રૂપિયા મોંઘી થઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.60 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.87 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ, સુરત સોના-ચાંદીના ભાવ વધી જતાં જે ગ્રાહકો ખરીદી કરવા આવતા હતા, તે એ પણ હવે ઓછા થઈ જવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. એટલું જ નહીં, સોનાનો ભાવ ઉચ્ચસ્તરીય પહોંચી જતાં આ વખતે પ્રસંગોમાં ખરીદી ખૂબ જ ઓછી થવાની પણ શક્યતા વ્યક્ત કરાય રહી છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે. સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024’ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી.
