-
ભરૂચમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન
-
બ્લોક બેસાડી દીધા બાદ ફરી ખોદકામ
-
પાણીની લાઇન માટે ખોદકામ કરાયુ
-
આડેધડ કામગીરીના કારણે લોકોમાં રોષ
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે.ચૂંટણી પૂર્વે વિસ્તારમાં બેસાડવામાં આવેલ બ્લોક કાઢી હવે પાણીની લાઇનમાં ખોદકામ કરાતા સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 8 વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી બ્લોક પાથરવાની કામગીરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે. આલી કાછિયા વાળ તેમજ હરીજન વાસ વિસ્તારમાં થોડા સમય પહેલા જ રસ્તાઓ પર બ્લોક બેસાડવામાં આવ્યા હતા પરંતુ હવે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા એ જ બ્લોકો ફરી ઉખાડવામાં આવી રહ્યા છે.
રસ્તાઓ પર ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી કામગીરીનું યોગ્ય આયોજન ન હોવાના કારણે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે પહેલા પાણીની લાઇનનું કામ પૂર્ણ કરવું જોઈએ હતું અને ત્યારબાદ રસ્તાઓ પર બ્લોક પાથરવા જોઈએ હતા.
આ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પાલિકા સભ્યને પણ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા. રહીશોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ યોગ્ય આયોજન સાથે કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી.
