રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ રશિયન સેનાએ રવિવારે યુક્રેનની રાજધાની કિવ પર પોતાનો અત્યાર સુધીનો સૌથી ભયાનક અને લોહિયાળ હુમલો કર્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ચીસાચીસ અને દહેશતનો માહોલ સર્જાયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીએ રવિવારે મોડી રાત્રે દેશને સંબોધિત કરતા એક ચોંકાવનારો દાવો કર્યો છે. જેલેન્સકીના જણાવ્યા અનુસાર, આ આક્રમણમાં રશિયાએ કોઈ સામાન્ય રોકેટ નહીં, પરંતુ પોતાની સૌથી ગુપ્ત અને સુપરસોનિક કરતા પણ તેજ એવી ઘાતક હાયપરસોનિક ‘ઓરેશ્નિક’ મિસાઈલ અને આત્મઘાતી ડ્રોન વડે કિવને નિશાન બનાવ્યું છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ જેલેન્સકીએ થોડા દિવસો પહેલા જ એક ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે રશિયા આ પ્રકારની વિનાશક મિસાઈલ છોડી શકે છે તેવી વૈશ્વિક ચેતવણી આપી હતી, જે હવે સાચી સાબિત થઈ છે. સત્તાવાર અહેવાલો મુજબ, રશિયા દ્વારા કરવામાં આવેલા આ અંધાધુંધ મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં 2 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નિપજ્યા છે. આ આખા યુદ્ધ દરમિયાન રશિયાએ આ તબાહી મચાવનારી ‘ઓરેશ્નિક’ મિસાઈલનો ઉપયોગ માત્ર 3rd વખત કર્યો છે, જે દર્શાવે છે કે રશિયા હવે આ યુદ્ધને કોઈપણ ભોગે જલ્દી અને આક્રમક રીતે ખતમ કરવા માંગે છે.