રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં પાટણ જિલ્લામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
ગુજરાત ATS દ્વારા રથયાત્રા પૂર્વે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં પાટણ જિલ્લામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.આ આતંકીઓ સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી ઝડપાયા છે. તેઓ ઘણા વર્ષોથી ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવાનું કામ કરી રહ્યા હતા.
ATS દ્વારા હાથ ધરાયેલા દરોડામાં આ કટ્ટરપંથી આરોપીઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આતંકવાદીઓની ઓળખ થઈ છે. તેમાં સિદ્ધપુરના ચાટાવાડા ગામનો મોહંમદ અમીન શેરા સામેલ છે, જે છેલ્લા સાત વર્ષથી આ મદ્રેસામાં રહેતો હતો. બનાસકાંઠાના ટોકરીયા ગામનો મુફ્તિ ફૌજાન દાઉવા પણ ઝડપાયો છે, જે ચાર વર્ષથી આ જ મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ત્રીજો આતંકી બનાસકાંઠાના ભાગળ ગામનો ઝકારીયા દુરાની ઘાઘા છે, જે છેલ્લા ચાર વર્ષથી આ મદ્રેસામાં વસવાટ કરતો હતો. આ ત્રણેય કટ્ટરપંથીઓની ધરપકડ બાદ ATSની ટીમ દ્વારા તેમની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
