પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર ગણતરીના કલાકોમાં જ આશરે 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતના પગલે સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે.

પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર ગણતરીના કલાકોમાં જ આશરે 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતના પગલે સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે.અને નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની ગણતરીના કલાકોમાં જ પોલ ખુલી ગઈ છે. વરસાદને પગલે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને કલાકો સુધી સ્થિતિ જસની તસ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે પાટણના પ્રથમ રેલવે નાળામાં કમર સુધીના પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે, જેના લીધે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વરસાદ બંધ થયાને પાંચ કલાક જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, રસ્તાઓ પરથી વરસાદી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. દર વર્ષે તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના નામે મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આજના વરસાદે સાબિત કરી દીધું છે કે પાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે.જેને કારણે સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.