ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત સાંજે પડેલા માત્ર 2.72 ઇંચ જેટલા વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અંકલેશ્વરથી હાંસોટને જોડતો મુખ્ય હાઈવે બંધ થતાં હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પોણા ત્રણ ઈંચ જેટલા વરસાદને પગલે સ્થાનિક આમલાખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. પરંતુ મુશ્કેલી ત્યારે વધી જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે જૂનો બ્રિજ તોડીને જે કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો, તે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. રસ્તો ધોવાઈ જતા જ હાઇવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઇ ગયો હતો.
સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કડકીયા કોલેજ પાસે આવેલા સાંકડા અને કામચલાઉ બ્રિજ તરફ નાના વાહનોને વાળવામાં આવ્યા છે. હાલ આ સાંકડા બ્રિજ પરથી માત્ર ટુ-વ્હીલર અને નાના વાહનોને જ પસાર થવાની મંજૂરી અપાઈ છે. જ્યારે સરકારી એસટી બસો અને મોટા ગજાના ભારદારી વાહનો માટે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જેના કારણે મોટા વાહનોએ હવે હાંસોટ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી છે. વિકાસના કામો વચ્ચે ચોમાસાની ઋતુમાં યોગ્ય આયોજનના અભાવે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પહેલા જ વરસાદમાં આ સ્થિતિ છે, તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે?
