અંકલેશ્વર રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાયકલો વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે દોડવીરોએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
અંકલેશ્વર ફિટનેસ અને ઉત્સાહના રંગે રંગાયું છે! આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે અંકલેશ્વર જીઆઈડીસીના જોગર્સ પાર્ક ખાતે રેવા સાયકલો વોકાથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેવા સાયક્લોથોન અને વોકાથોન 2026ના એક ભાગરૂપે યોજાયેલી આ મેરેથોનમાં માત્ર અંકલેશ્વર શહેર જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં દોડવીરો ઉમટી પડ્યા હતા,અને વહેલી સવારથી જ વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ મેરેથોનની સૌથી ખાસ વાત એ હતી કે તેમાં દરેક વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અલગ-અલગ કેટેગરીઓ રાખવામાં આવી હતી. જેમાં 21.1 કિલોમીટરની હાફ મેરેથોનથી લઈને 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટરની દોડનો સમાવેશ થતો હતો. નાના બાળકોથી લઈને વડીલો અને યુવાનોએ પોતપોતાની કેટેગરીમાં પુરા જોશ સાથે દોડીને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દોડવીરોનો ઉમંગ અને પોઝિટિવ એનર્જી ખરેખર જોવા જેવી હતી.
આ ભવ્ય આયોજનમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી એન કે નવાડીયા,પ્રબોધ પટેલ,મહેશ પટેલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સંદીપ પટેલ,નરેશ પુજારા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહીને તમામ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આયોજકો દ્વારા મેરેથોન રૂટ પર સુરક્ષા, પાણી અને મેડિકલ ઈમરજન્સી જેવી તમામ જરૂરી સુવિધાઓની ખૂબ જ સુંદર અને ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ભાગ લેનારા તમામ દોડવીરોએ આ ઉત્કૃષ્ટ આયોજનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
