અંકલેશ્વર ઉદ્યોગનગરીના સી પમ્પીંગ સ્ટેશનમાંથી વરસાદ દરમિયાન કથિત રીતે પ્રદુષિત પાણી અમલખાડીમાં છોડાયું હોવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી,જોકે આ ઘટનામાં કરવામાં આવેલા આક્ષેપો અને વાયરલ  થયેલી માહિતી પાયાવિહોણી હોવાનું ઉદ્યોગ મંડળે જણાવ્યું હતું. 

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં માત્ર બે કલાકમાં પડેલા ભારે વરસાદ દરમિયાન સોશિયલ મીડિયામાં એવી માહિતી વાયરલ થઈ હતી કે જીઆઇડીસીના સી પમ્પિંગ સ્ટેશનમાંથી કથિત પ્રદૂષિત પ્રવાહી વરસાદી કાંસમાં વહીને અમરાવતી ખાડીમાં પહોંચી રહ્યું છે, જેના કારણે પાણી પ્રદૂષિત થતું હોવાનું જણાવાયું હતુ. આ સમગ્ર મામલે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ, નોટિફાઈડ એરિયા ઓથોરીટી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી.

સ્થળ નિરીક્ષણ બાદ ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ જણાવ્યુ હતુ કે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા આક્ષેપો અને પ્રસારિત કરવામાં આવેલી માહિતી હકીકતથી વેગળી છે. તેમની પ્રાથમિક તપાસ દરમિયાન સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ જણાવ્યુ કે ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો પ્રવાહ વધ્યો હતો, પરંતુ તેને પ્રદૂષિત પ્રવાહી સાથે જોડતી સોશિયલ મીડિયાની માહિતી ભ્રામક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી.