પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં કુદરતી સૌંદર્ય સાથે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો,અને સમગ્ર મંદિર પરિસર “જય માતાજીના જયઘોષ”થી ગુંજી ઉઠ્યું હતું.
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. રજાનો દિવસ હોવાથી રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર “જય માતાજી”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આજે પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. સવારના સમયે મંદિર વિસ્તાર વાદળોથી ઘેરાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર ડુંગર પર ધુમ્મસભર્યું અને શીતળ વાતાવરણ સર્જાયું હતું. વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા માહોલ વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અડગ રહી હતી. યાત્રિકોએ આ અનોખા કુદરતી દ્રશ્યો વચ્ચે માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને ડુંગરના અદભુત નજારાઓનો આનંદ માણ્યો હતો. મંદિર પરિસરમાં કેટલાક યાત્રિકો ભક્તિભાવથી ગરબા રમતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને આનંદના માહોલમાં તરબોળ થઈ ગયો હતો.
