વિદ્યાર્થીઓનું સુરક્ષા કવચ યુથ એન્ડ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ
ડિપ્રેશન અને તણાવ સામે લડવા માટે શાળાઓમાં જ કાઉન્સિલિંગ
ભણતરમાં નાસીપાસ થતા વિદ્યાર્થીઓ માટે શાળા જ સધિયારો
શાળા-કોલેજ સ્તરે નિષ્ણાતોની ખાસ ટીમ કરશે કાઉન્સેલિંગ
પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ શાળાઓમાં જ માર્ગદર્શક બનશે
પરીક્ષાનું દબાણ, કરિયરની ચિંતા અને સોશિયલ મીડિયાના વળગણ વચ્ચે આજના યુવાનો અંદરથી તૂટી રહ્યા છે. આ ગંભીર વાસ્તવિકતાને સમજીને ગુજરાત સરકારે બજેટ 2026-27માં 19.84 લાખ વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ આપતી ઐતિહાસિક ‘યુથ એન્ડ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ’ની જાહેરાત કરી છે.
ભણતરની આંધળી દોડમાં નાસીપાસ થતા વિદ્યાર્થીઓ માટે હવે વર્ગખંડ જ સધિયારો બનશે. આ યોજના અંતર્ગત શાળા-કોલેજ સ્તરે નિષ્ણાતોની એક ખાસ ટીમ તૈયાર કરાશે, જે બાળકો સાથે કોઈ પણ સંકોચ વિના સીધો સંવાદ સાધશે. ડિપ્રેશન અને માનસિક તણાવના લક્ષણોને શરૂઆતના તબક્કે જ ઓળખી કાઢીને તેનું સચોટ નિવારણ કરવું, એ જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
આજના સમયમાં મોબાઈલનું વળગણ અને બદલાતી જીવનશૈલી બાળકોને એકલતા તરફ ધકેલી રહી છે. આથી, હવે ક્લાસરૂમમાં એવું હૂંફાળું વાતાવરણ ઊભું કરાશે,જ્યાં વિદ્યાર્થીઓ ડર રાખ્યા વિના પોતાના મનની મૂંઝવણ વ્યક્ત કરી શકશે. સ્ક્રીન ટાઈમ ઓછો કરવાથી લઈને આત્મવિશ્વાસ વધારવા સુધીની પ્રક્રિયામાં પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ્સ શાળાઓમાં જ માર્ગદર્શક બનશે. બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વધતું દબાણ અટકાવવા માટે ‘ટેલી-માનસ’ જેવી સરકારી હેલ્પલાઇન અને કાઉન્સિલિંગ સેવાઓ હવે વધુ સક્રિય બનશે.
આ પહેલ માત્ર વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો રોકવામાં જ નહીં, પરંતુ ચિંતિત વાલીઓને પણ મોટી રાહત આપશે. માનસિક રીતે મજબૂત બનેલો યુવા જ આવતીકાલના સુરક્ષિત ભવિષ્યની મજબૂત કડી સાબિત થશે.
