વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં ધોધમાર વરસાદ
હાલરની સાઈનાથ અને અમરનાથ સોસાયટીમાં ઘૂસ્યા પાણી
વાપીમાં પણ મુશળધાર વરસાદથી જળબંબાકાર
2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ગુંજન પાણી-પાણી
ધોધમાર વરસાદે ખોલી પાલિકાતંત્રની પોલ
વલસાડ જિલ્લાના તમામા તાલુકામાં વરસેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. મેઘરાજાએ વાપીને બરાબરનું ઘમરોડ્યું છે.અને જાણીતો ગુંજન વિસ્તાર સંપૂર્ણપણે જળબંબોળ થઈ ગયો છે.જ્યારે વલસાડ શહેરમાં પણ સોસાયટીઓમાં વરસાદના પાણી ઘુસ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સમગ્ર પંથકને ઘમરોડી નાખ્યું છે. વાપી શહેરમાં માત્ર બે કલાકની અંદર જ આભ ફાટ્યું હોય તેમ ચાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જાણીતા ગુંજન વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે કલાકમાં પડેલા આ ભારે વરસાદને કારણે ગુંજનના અલગ-અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે.
સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોની અંદર સુધી ઘુસી ગયા છે, જેને કારણે મોડી રાત્રે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરની હાલર વિસ્તારની સાઈનાથ અને અમરનાથ સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે.
છેલ્લા ચાર-ચાર દિવસથી લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે, ઘરવખરીનો સામાન પલળી ગયો છે અને સ્થાનિકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. જેમાં પૂર્વ નાયબ મામલતદાર સહિતના સિનિયર સિટીઝનો પણ હાલાકી ભોગવી રહ્યા છે.
વારંવાર રજૂઆત કરવા છતાં વલસાડ નગરપાલિકાના પેટનું પાણી નથી હલતું! પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહીથી લોકોની ચિંતા બેવડાઈ છે.
