અમદાવાદ વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે 7 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખી છે. કોર્ટે 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.

26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદના અલગ-અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા,અને 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. આ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે બીજી તરફ 48 આરોપીઓએ પણ સજા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટ સજા યથાવત રાખવાની સાથે પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ મોટો ચુકાદો આપ્યો છે. આ ધડાકાઓમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરાયો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 1 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં હાઈકોર્ટમાં આ મામલે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને આ ઐતિહાસિક ચુકાદાથી પીડિતોને આખરે ન્યાય મળ્યો છે.