રાજ્યમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 181 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે 7 જુલાઈના રોજ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં ગુજરાતના 27 જિલ્લાના કુલ 174 તાલુકાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં પડ્યો હતો. કામરેજમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 12 કલાકમાં કામરેજમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર અસર થઈ છે.
આ 12 કલાકના ટૂંકા ગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 7 તાલુકાઓ એવા છે જ્યાં 12 કલાકમાં જ 5 ઇંચ (125 મિમિ) થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં તાલુકામાં આજે મેઘતાંડવ જોવા મળ્યું છે. અહીં 12 કલાકમાં જ 403 મિમિ (15.87 ઇંચ) વરસાદ ખાબક્યો છે.
આ પ્રચંડ વરસાદને કારણે કામરેજના અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને રસ્તાઓ બંધ થયા છે.
સુરતના પલસાણામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર છે. સુરત જિલ્લાનો પલસાણા તાલુકો વરસાદ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. પલસાણામાં આકાશી આફત તૂટી પડી હતી. આ ટૂંકા ગાળાના ભારે વરસાદથી સ્થાનિક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
