અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા નજીક અજાણ્યા વાહનની અડફેટે અજાણી 60 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા નજીક આલ્કેમ કંપની પાસે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે અજાણી 60 વર્ષીય વૃદ્ધાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જો કે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ ગયો હતો.

અકસ્માતમાં રાહદારી વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વૃદ્ધાની  ઓળખ અને વાલી વારસોનો સંપર્ક સાધવાની તજવીજ હાથ ધરી છે.