ભરૂચ જિલ્લાની જંબુસર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત પ્રસંસનીય કામગીરી કરી ગણતરીના સમયમાં 23 હજારના સોના-ચાંદીના દાગીનાવાળું પર્સ શોધી મૂળ માલિકને પરત સોંપ્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના PSI પી.જે.ચુડાસમાએ પોલીસ સ્ટાફને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને એક અરજદાર બહેનએ જંબુસર પોલીસ મથક ખાતે આવી જણાવ્યુ હતું કે, સવારે 10 વાગ્યાના અરસામાં સોની ચકલા ખાતે સિદ્ધિવિનાયક જ્વેલર્સની દુકાનમાંથી ભાણીના જન્મદિવસ સાથે ગિફ્ટ લેવા આવી હતી. જેમાં સોનાની નાની વીંટી તથા ચાંદીની ઝાંઝરી જેની કિંમત રૂપિયા 23 હજારની વસ્તુ ખરીદી કરી હતી. ત્યારબાદ સ્વયંભૂ સોસાયટી જવા માટે સોની ચકલા પાસેથી રિક્ષામાં સવાર થઈ જઈ રહ્યા હતા, ત્યારે સોના-ચાંદીના દાગીનાવાળું પર્સ ભૂલથી રિક્ષામાં રહી ગયું હતું.
જે બાબતે મૌખિક રજૂઆત કરતા જંબુસર પોલીસે તાત્કાલિક એક્શન લઈ પોલીસ સ્ટેશનમાં ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર 112માં ફરજ બજાવતા રજનીકાંત દિનેશભાઈ તથા ઉમંગભાઇ હરિભાઈ નાઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી રીક્ષા તેમજ રીક્ષા ચાલકને શોધી કાઢી સોના-ચાંદીના દાગીનાવાળું પર્સ ગણતરીના સમયમાં જ મૂળ માલિકને પરત કરી પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.
