દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં પણ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ સુરતમાં કાપડ બજારથી લઈને વેપારી વિસ્તારો સુધી પાણી ઘૂસતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે સુરતમાં છેલ્લા 36 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને શહેરમાં 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. તાપી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ યથાવત છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 18.19 ઈંચ અને કામરેજમાં 17 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં પણ 15 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.
