અંકલેશ્વરમાં આખલાનો આતંક

મુખ્યમાર્ગ પર 2 આખલા બાખડયા

બી ડિવિઝન પોલીસ મથક નજીકનો બનાવ

વાહનચાલકોમાં ભયનો માહોલ

તંત્રની કામગીરી સામે સવાલ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્યમાર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં તાજેતરમાં રખડતા પશુના કારણે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતાં ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ દોડતા પશુઓના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ ઘટનામાં એક ઈકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.