ભરૂચમાં પોલીસ તંત્ર એક્સનમાં

રથયાત્રાના પર્વને અનુલક્ષી ચેકીંગ

જાહેર સ્થળોએ ચેકીંગ કરાયુ

બૉમ્બ-ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરાય

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

આગામી રથયાત્રાના તહેવાર દરમિયાન ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં જાહેર સ્થળોએ  તેમજ ડોગ સ્કવોડની મદદથી તપાસ કરવામાં આવી હતી.

આગામી 16 જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.તેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આજે એસઓજીના પીઆઈ એ.વી.પાણમિયા અને એલસીબીના પીએસઆઈ એ.વી. શિયાળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમોએ સિટી સેન્ટર બસ સ્ટેશન,રેલવે સ્ટેશન,મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન તેમજ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.