કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દાહોદ જિલ્લાની મુલાકાતે

લીમખેડાના ઝેરજીતગઢ-હાથિયાવાનમાં હાઈવે નિર્માણ

કેન્દ્રીય મંત્રી દ્વારા હાઈવે નિર્માણની કામગીરીનું નિરિક્ષણ

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે વિશેષ બેઠક યોજાય

ધીમી કામગીરી અંગે કેન્દ્રીય મંત્રીએ ગંભીરતા વ્યક્ત કરી

કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોરના નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબની સમીક્ષા કરી હતી.

દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ વર્ષ 2026ના મધ્ય સુધી પણ કામગીરી અધૂરી રહેતા કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લાની મુલાકાત લઈ ગંભીરતા વ્યક્ત કરી હતી. નીતિન ગડકરીએ લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામે હાઈવેના નિર્માણકાર્યની સ્થળ તપાસ કરી હતી. તેમણે રોડના નિર્માણ અને ગુણવત્તા અંગે માહિતી મેળવી.

આ ઉપરાંત, હાથિયાવાન ગામે પહાડ તોડવાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું, અને પહાડી વિસ્તારમાં આવતા અવરોધો અંગે અધિકારીઓ પાસેથી વિગતો લીધી. જોકે, કામગીરીની ધીમી ગતિ પર તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. નિરીક્ષણ દરમિયાન, નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોરિડોર દેશના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વનો હોવાથી કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે જ સંસાધનો વધારવા અને કામના કલાકોમાં પણ વધારો કરવા મંત્રીએ તાકીદ કરી હતી.