અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે મગર દેખાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગામને અડીને આવેલા ગોવા ટેકરી નજીકના તળાવમાં મગર જોવા મળ્યાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો છે.આ તળાવનું પાણી ગામના પશુઓ પીવા માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે અનેક ગ્રામજનો પોતાના રોજિંદા કામકાજ અને ખેતી સહિતના વિવિધ ઉપયોગ માટે પણ આ પાણી પર નિર્ભર છે.
મગરની હાજરીને કારણે પશુપાલકો તેમજ તળાવની આસપાસ રહેતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામલોકોમાં વ્યાપેલો ભય દૂર થઈ શકે.
