ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ લોઢારી પોતાની કાર નંબર GJ-17-XX-9432 લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલપંપ કેમ્પસમાં પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ કારમાં જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી FSL ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.મૃતકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
